Woman Entrepreneur_500 રૂપિયા ઉછીના લઇ ગૃહઉદ્યોગ શરૂ કર્યો, આજે 25 મહિલાઓને રોજગારી આપે છે.

DB-logo

This slideshow requires JavaScript.

ખાંભાનાં ગીતાબેન રાઠોડે આયુર્વેદિક વસ્તુ બનાવી પરિવારને ગરીબીમાંથી બહાર કાઢ્યો.

ખાંભાની ગીતાબેન જયસુખભાઇ રાઠોડ નામની મહિલાનો પરિવાર એક દાયકા પહેલાં દારૂણ ગરીબીમાં હતો. ખાવાના પણ ફાંફા હતા. એ વખતે તેમણે પોતાનાં પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો.

 

ધંધો કરવા માટે રૂપિયા તો હતા નહીં. આથી તેમણે પાડોશી મહિલાએ ઉછીના આપેલા 500 રૂપિયાની મુડીમાંથી ગૃહઉદ્યોગ શરૂ કર્યો. તેમણે આયુર્વેદને લગતી જુદી જુદી આઠ પ્રોડક્ટ વિકસાવી. હાલ ગીતાબેન પોતે તો રોજગારી રળે જ છે. સાથે સાથે 25 અન્ય લોકોને પણ રોજગારી આપે છે. આ મહિલાએ ઉંચી ઉડાન ભરવા માટે અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી છે.

 
– ખાંભાનાં ગીતાબેન રાઠોડે આયુર્વેદિક વસ્તુ બનાવી પરિવારને ગરીબીમાંથી બહાર કાઢ્યો
ગીતાબેન રાઠોડનાં લગ્ન 18 વર્ષ પહેલાં થયા હતા. ધારીમાં પિતાનું ઘર છોડી ખાંભામાં પતિ સાથે નવું જીવન શરૂ કર્યાના થોડા વર્ષોમાં જ પરિવારની આર્થિક સ્થિતી તદ્દન નબળી બની ગઇ. મજુરી કરવાનાં દિવસો આવ્યા. એકાદ દાયકા પહેલાં તો સ્થિતી એવી હતી કે, પરિવારનાં છ લોકોને ખાવાનાં પણ ફાંફા થઇ ગયા. એ સમયે ગીતાબેને પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. ગીતાબેનનાં સાસુએ તેમના સસરા ભૂતકાળમાં દેશી દવા બનાવતા હોવાની વાત કરી હતી. આ દવા બનાવવાની પદ્ધતિ જાણ્યા બાદ તેમણે તેમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. જોકે, દેશી દવા બનાવવા માટે ઘરમાં ફૂટી કોડી પણ નહતી.
આ સમયે તેમની પાડોશમાં રહેતા મુક્તાબેન લાલજીભાઇ કરસળીયા તેમની મદદે આવ્યા, અને રૂા. 500 હાથ ઉછીના આપ્યા. જેમાંથી તેમણે દેશી દવા બનાવવાની કાચી સામગ્રી ખરીદી. સૌ પ્રથમ તેમણે પાચન ચૂર્ણ બનાવ્યું. પતિ જયસુખભાઇ રાઠોડ પ્રથમ દિવસે ગામમાં ફરી છ બોટલ વેચી આવ્યા. અને અહિંથી તેમની દેશી દવાઓની સફર શરૂ થઇ. આજે તેઓ જુદી જુદી આઠ પ્રોડક્ટ બનાવે છે. એક દાયકાના ગાળામાં આ ગૃહઉદ્યોગમાં તેમણે ઘણી સફળતા મેળવી છે. ટર્નઓવર પણ સારૂં એવું થાય છે. એટલુંજ નહીં અન્ય 25 લોકોને પણ રોજગારી મળી રહી છે. તેમના પરિવારનું ગુજરાન તો ચાલે છે. એક મહિલા ધારે તો પરિવારને કઇ રીતે મદદરૂપ થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પુરૂં પાડ્યું છે.
જુદી જુદી આઠ પ્રોડક્ટનું વેચાણ
ગીતાબેન રાઠોડે શ્રીજી મહિલા ગૃહઉદ્યોગ સ્થાપી સૌપ્રથમ પાચન ચૂર્ણથી તેની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ માલીશ તેલ, દંતમંજન, દુધીનું તેલ, શેમ્પુ, વાઢિયાનો મલમ અને ખીલની પેસ્ટ એમ આઠ પ્રોડક્ટ બનાવે છે.
શું કહે છે રોજગારી મેળવનારા
શ્રીજી મહિલા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા 25 વર્ષીય હેતલબેન રાઠોડ કહે છે, ગીતાબેન અમારી પેઢી માટે પણ પ્રેરણારૂપ છે. તો 55 વર્ષીય રસીલાબેન રાઠોડનાં કહેવા મુજબ, અહિં ઉત્પાદન માટે પાંચ મહિલા આવે છે. અને અમને સારૂં એવું મહેનતાણું મળે છે. ગીતાબેને જણાવ્યું હતું કે, મારી સફળતા પાછળ મુક્તાબેન કરસરીયાનો સિંહફાળો છે.
મહિલા બચત મંડળ ચલાવે છે |ગીતાબેન રાઠોડ હાલમાં શ્રીજી મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવવા ઉપરાંત મહિલા બચત મંડળ પણ ચલાવે છે. અને મહિલાઓને બચત માટે પ્રેરીત કરે છે. આ ઉપરાંત તેઓ આંગણવાડીમાં તેડાંગર તરીકે પણ કામ કરી પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે.
બેકાર રત્ન કલાકારોને પણ મળી રોજીરોટી
ગીતાબેન રાઠોડના આ ગૃહ ઉદ્યોગથી 25 જેટલા લોકોને રોજગારી મળે છે. હિરા ઉદ્યોગમાં મંદિ આવતાં પાંચ રત્ન કલાકારો પણ બેકાર બન્યા હતાં. જે હવે આ ગૃહઉદ્યોગની આયુર્વેદિક વસ્તુઓ વેચી રોજીરોટી મેળવે છે.
Advertisements