મહિલા સફાઈ કર્મચારીની પુત્રી દિલ્હીમાં મંત્રી બની

કભી કભી – દેવેન્દ્ર પટેલ 

નામ છે રાખી બિરલા, પરંતુ રાખી દેશના એ જાણીતા ઔદ્યોગિક પરિવારનું ફરજંદ નથી.

rakhi birla

મારું ઘર ચોવીસે કલાક દિલ્હીની જનતા માટે હંમેશા ખુલ્લું રહેશે.

નામ છે રાખી બિરલા, પરંતુ રાખી દેશના એ જાણીતા ઔદ્યોગિક પરિવારનું ફરજંદ નથી. રાખી એક દલિતની દીકરી છે. ૨૬ વર્ષની જ છે. રાખી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીની સક્રિય સભ્ય છે અને દિલ્હી વિધાનસભામાં ચાર ટર્મથી ચૂંટાતા અને શીલા દીક્ષિત સરકારના જાહેર બાંધકામ ખાતાના મંત્રી રાજકુમાર ચૌહાણને ૧૦,૦૦૦ મતોની સરસાઈથી હરાવીને ચૂંટાઈ આવી છે.

રાખીની અટક ‘બિરલા’ કેમ થઈ ગઈ તે પણ જાણવા જેવું છે. રાખી દિલ્હીની એક સામાન્ય સ્કૂલમાં ભણતી હતી. તેના પિતાનું નામ ભૂપેન્દ્રસિંહ બિધલાન છે, પરંતુ ધોરણ-૧૦ના ર્સિટફિકેટમાં શાળાના શિક્ષકે રાખી બિધવાન લખવાના બદલે ભૂલથી રાખી બિરલા લખી નાખ્યું અને તે પછી તે રાખી બિધલાનના બદલે રાખી બિરલા બની ગઈ.

nayak

શું અર્વિંદ કેજરીવાલ, ‘નાયક’ ચલચિત્રનાં અનિલકપુરની જેમ સમગ્રતયા પરિવર્તન લાવી શકશે?

રાખી બિરલા હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળની સૌથી યુવાન સભ્ય છે. તે પણ એક ચમત્કાર છે. રાખીનો પરિવાર દિલ્હીના મંગોલપુરી વિસ્તારના એક સામાન્ય મકાનમાં રહે છે. તેમાં એરકન્ડિશનર જેવી કોઈ સુખ-સુવિધાઓ નથી. ઘર પણ સામાન્ય રંગથી રંગાયેલું છે. રાખીના મંત્રી બનવાથી આખો મહોલ્લો ખુશ છે. એના ઘર સુધી પહોંચવા સાંકડી ગલીઓમાં થઈ પસાર થવું પડે છે. આમઆદમી પાર્ટીના મંત્રીઓ સરકારી મોટરકાર વાપરવાના નથી અને આમેય રાખીના ઘર આગળ મોટરકાર મૂકવા જગા નથી. રાખીની માતા પણ સામાન્ય વસ્ત્રો જ પહેરે છે અને સામાન્ય જીવન જીવે છે.

રાખી બિરલાને તેમનાં માતા-પિતા આ દુનિયામાં લાવવા માગતાં નહોતાં.

નોંધનીય વાત એ છે કે, રાખી બિરલાના માતા-પિતા રાખીને આ દુનિયામાં લાવવા માંગતા જ નહોતા. તેના પિતા ભૂપેન્દ્રસિંહ બિધલાન કહે છે : “અમારે ત્રણ સંતાનો તો હતાં જ. એ પછી રાખીની મમ્મી ગર્ભવતી થઈ, પરંતુ તે અમારું આયોજન બહારનું બાળક હતું. અમારી આર્થિક હાલત સારી ના હોઈ અમે ચોથું સંતાન લાવવા માગતા નહોતા. એ પછી ગર્ભપાત કરાવવા અમે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે રાખીની મમ્મીને કોઈ દવા લખી આપી. એ દવા લીધા પછી પણ તેની કોઈ જ અસર ના થઈ. ડોક્ટરે ઓપરેશન કરી ગર્ભપાત કરાવવા કહ્યું, પરંતુ દવા પછી પણ ગર્ભપાત ના થતાં નાના બાળકનો ગર્ભપાત કરાવવાનો નિર્ણય અમે ટાળી દીધો અને તે પછી જે બાળકી જન્મી તે રાખી. રાખીનો જન્મ જ તેની મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક છે. અમારે હવે જે ચાર સંતાનો છે, તેમાં મોટી દીકરીનું નામ સોનુ છે. એ પછીના પુત્રોના નામ વીરેન્દ્રસિંહ અને વિક્રમસિંહ છે. હવે ચોથી દીકરી રાખી સૌથી નાની છે.

દલિત પરિવારમાં જન્મેલી રાખીના પિતા ભૂપેન્દ્રસિંહ પણ સામાજિક કાર્યકર હતા. જ્યારે તેની માતા એક સરકારી શાળામાં સફાઈ કામદાર હતી. રાખી પણ એની માતા જે સ્કૂલની સાફસફાઈનું કામ કરતી હતી તે જ સ્કૂલમાં ધોરણ-૧૨મા સુધી ભણી. આ આખો પરિવાર રાધાસ્વામીનું અનુયાયી છે. રાખીના પિતાને એકવાર કામ કરતાં કરતાં ઇલેક્ટ્રિકનો શોક લાગી જતાં તેઓ કામ કરવાને યોગ્ય રહ્યા નહીં તેથી રાખીની માતાની આવક પર જ આખું ઘર નભતું હતું. રાખીની માતા ત્રણ-ચાર હજાર રૂપિયા જ મહિને કમાતી હતી અને તે આવક પર પરિવારનું પોષણ થતું હતું.

રાખીની માતા શીલા બિધવાન કહે છે : “મને મારી જ્ઞાતિ કે આર્થિક હાલત માટે કોઈ શરમ નહોતી અને એ કારણે અમને અમારા મોટા સ્વપ્નોમાં કોઈ જ વિઘ્ન નડયું નહોતું. હું તો મારી દીકરીને ભણાવવા જ માગતી હતી.”

દિલ્હીની સરકારી શાળામાં જ ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ રાખી દિલ્હી યુનિર્વિસટી સંલગ્ન શિવાજી કોલેજમાં દાખલ થઈ અને તે પછી પત્રકારત્વના વિષયમાં હિસ્સાર યુનિર્વિસટી સાથે સંકળાયેલી એક ઇન્સ્ટિટયૂટ દ્વારા માસ્ટર ડિગ્રી હાંસલ કરી. પત્રકારત્વની ડિગ્રી હાંસલ કર્યા બાદ તેઓ દિલ્હીની એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં તાલીમીપત્રકાર તરીકેની કામગીરી શરૂ કરી. આ કામગીરી દરમિયાન તેને બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું કવરેજ કરવાનું કામ સોંપવામાં આવ્યું. એ વખતે દિલ્હીમાં જંતરમંતર ખાતે અણ્ણા હઝારે ઇન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન ઝુંબેશ ચલાવતા હતા, જેમાં અરવિંદ કેજરીવાલ પણ સહભાગી હતા. અણ્ણા હઝારે અને કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની તેના માનસપટ પર ગહેરી અસર થઈ. તે પછી દિલ્હીમાં નિર્ભયા પર સામૂહિક બળાત્કારની ઘટનાનું કવરેજ તેને સોંપવામાં આવ્યું. આ ઘટનાની સંવેદના પણ તેને સ્પર્શી ગઈ અને એ પછી એણે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અને સ્ત્રીઓની સલામતી માટે કામ કરવાનો નિર્ણય કર્યો. એ ઘટનાઓનું રિર્પોર્ટિંગ કરતાં કરતાં જ તેના વ્યક્તિત્વમાં પરિવર્તન આવી ગયું અને તેણે જાહેર જીવનમાં જોડાવાનું નક્કી કરી લીધું.

રાખી બિરલા કહે છે : “તમારે સમાજ જીવનમાં પરિવર્તન લાવવું હોય તો તેના ભાગરૂપી બની તેની પ્રક્રિયામાં ભાગ લેવો જ પડે. માતા-પિતા પણ સામાજિક કાર્યકર હતા અને મારા દાદા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. કદાચ એ સંસ્કારના કારણે જ મેં અણ્ણા હજારેના આંદોલનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.”

અત્રે નોંધવા જેવી એક વાત એ છે કે, તે સફળ પત્રકાર બનવા માગતી હતી ત્યારે એક અહેવાલ પ્રમાણે રાખી બિરલાએ પત્રકારત્વની તાલીમ દરમિયાન પ્રાઈવેટ ચેનલ પાસે મોબાઈલ ફોનના એલાઉન્સ માટે રૂ. ૩૦૦ની માગણી કરી, પરંતુ ચેનલના સંચાલકે રાખીને એ એલાઉન્સ આપવાનો ઇનકાર કરી દેતાં રાખી બિરલાએ નોકરી છોડી દીધી અને તે પછી તે અણ્ણા-કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો એક અભિન્ન હિસ્સો બની ગઈ હતી.

અને હવે તે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના મંત્રીમંડળની એક સભ્ય છે.

કેજરીવાલ મંત્રીમંડળમાં મંત્રી બન્યા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તે કહે છે : “અમે રાજનીતિ અને તંત્રમાં પરિવર્તન લાવવા માગીએ છીએ.”

“શું તમારી ઓછી વયના કારણે બડા બડા બાબુઓ તમને રિર્પોર્ટિંગ કરશે ખરા ?” એ પ્રશ્નના જવાબમાં રાખી બિરલા કહે છે : “જો તમે પ્રામાણિક હોવ અને તમને તમારી જાતમાં આત્મવિશ્વાસ હોય તો કોઈની તાકાત નથી કે કોઈ તમને બાળક સમજે.”

રાખી કહે છે : “હું મંત્રી ભલે બની, પરંતુ આજે પણ પાર્ટીની સ્વયંસેવિકા જ છું. મારું ઘર ૨૪ કલાક જનતા માટે ખુલ્લું રહેશે. કોઈપણ વ્યક્તિ તેની સમસ્યાને લઈ મારી પાસે આવી શકે છે. હું જાણું છું કે, ખાનગી સ્કૂલોની સરખામણીમાં સરકારી સ્કૂલોનું શિક્ષણ સ્તર નીચું છે. આ સ્તર સુધારવા અમે એક યોજના બનાવી છે. એ જ રીતે દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે કમાન્ડો ફોર્સ બનાવવામાં આવશે, તેમાં નિવૃત્ત લશ્કરી અધિકારીઓની ભરતી કરાશે અને એ ફોર્સ તમામ વોર્ડોમાં તૈનાત કરાશે.

રાખી બિરલાએ ચૂંટણી લડતાં પહેલાં તેની સંપત્તિ જાહેર કરી છે જેનો આંકડો છે માત્ર રૂ. ૫૧ હજાર. આજે તો ઘણાં રાજ્યોના મંત્રીઓ પાસે રૂ. ૨૦-૨૦ હજાર કરોડની સંપત્તિ છે ત્યારે રાખી બિરલાની સંપત્તિની રકમ તો ગરીબની વ્યાખ્યામાં જ આવે. લાગે છે કે, દેશની રાજનીતિમાં એક જબરદસ્ત પરિવર્તનની હવા ફુંકાઈ રહી છે.

ઓલ ધી બેસ્ટ, રાખી.

– દેવેન્દ્ર પટેલ

link :-  www.devendrapatel.in

 
 
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s