આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા

આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા એ પણ તમારી પાસે હોય તો જ…

mid-day

ડૉક્ટરો આજે ટંકશાળ પાડી રહ્યા છે ત્યારે મળીએ ઘાટકોપરના ૭૭ વર્ષના એક એવા ડૉક્ટરને

જેમણે કેટલાંય વર્ષોથી સેવાની ગજબની ધૂણી ધખાવી રાખી છે(પીપલ-લાઇવ – પલ્લવી આચાર્ય)

ઘાટકોપર (વેસ્ટ)માં નવરોજી લેનમાં પરમ કેશવબાગ નજીકના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના દવાખાનામાં દરદીઓની લાંબી કતાર છે. દરવાજે એક ર્બોડ ઝૂલે છે : અહીં ડૉક્ટરની ફી આપવી ફરજિયાત નથી છતાં આપવી હોય તો ત્રણ રૂપિયા આપો.

તમે જે વાંચ્યું એ બરાબર અને ભૂલ વિનાનું છે. એટલું જ નહીં, આ સીન પણ આજના સમયનો છે.

Treatment of Tuberculosisઆજની મૉડર્ન ડિસ્પેન્સરીમાં આપણે ઍર-કન્ડિશન્ડ કૅબિનમાં રિવૉલ્વિંગ ચૅર પર ઝૂલતા અને કમ્પ્યુટરના કીર્બોડ પર ટાઇપ કરી પેશન્ટની હિસ્ટરી જોઈ લેતા ડૉક્ટરોને જોવા ટેવાયેલા છીએ, પણ ઘાટકોપરના આ દવાખાનાનાં પગથિયાં ચડી અંદર જાઓ અને ડૉક્ટરની કૅબિન ખોલો ત્યાં એક બીજું આશ્ચર્ય સામે આવે છે. ડૉક્ટર ઊભા-ઊભા જ પેશન્ટને તપાસી રહ્યા છે. તેઓ જે રૅક સામે ઊભા છે ત્યાં એક માઇક છે. ચાર પેશન્ટનાં નામ બોલતાં જ તેઓ કૅબિનમાં આવે છે. રૅકમાં જુદી-જુદી દવાઓ ગોઠવી છે, સામે એક ડબ્બામાં ચિલ્લર છે. દસ રૂપિયાની નોટ કોઈએ આપી હોય તેને ડૉક્ટર સાત રૂપિયા પાછા આપે છે. દરદીને તપાસવાથી લઈને તેમને બોલાવવાનું, દવા આપવાનું અને પૈસા લેવા સહિતનું કમ્પાઉન્ડરનું કામ પણ તેઓ પોતે જ કરી રહ્યા છે.

ત્રણ રૂપિયામાં ડૉક્ટર કન્સલ્ટ કરે અને દવા પણ આપે? જવાબ છે હા. એટલું જ નહીં, બહારની દવા લખી આપે ત્યારે કોઈને એ ન પોસાતી હોય તો તેને તેઓ ચોક્કસ કેમિસ્ટને ત્યાં ચિઠ્ઠી લખીને મોકલાવે તો તેણે પૈસા ન આપવા પડે. દસથી બાર કેમિસ્ટ પાસેથી તેમના પેશન્ટ ફ્રી દવા મેળવી શકે છે. કોઈ દરદી પાસે ત્રણ રૂપિયા પણ ન હોય તો કોઈ વાંધો નહીં, તેને જરૂર હોય તો ડૉક્ટર પોતાની પાસેથી આપે. આ ડૉક્ટરનું નામ છે ડૉ. રસિક ગાંધી.

૧૯૬૫માં આ ડૉક્ટરે દવાખાનું શરૂ કર્યું ત્યારે કન્સલ્ટિંગ ફી એક રૂપિયો હતી, જે ૧૯૭૬માં ત્રણ રૂપિયા કરી હતી. લોકો તેમને પાંચ કે દસ રૂપિયા ફી કરવા કહે છે; પણ ડૉક્ટર જ નહીં; તેમનાં પત્ની સરલાબહેન પણ ના કહે છે.

સેવા પરમો ધર્મ

૭૭ વર્ષની વયે છ કલાક ઊભા રહીને દરદીઓને તપાસતા રસિકભાઈને પૂછ્યું કે આમ ઊભા રહીને દરદીઓને તપાસવાનું કારણ? Hepatocellular Carcinomaદરદીઓને તપાસી રહેલા ડૉક્ટર પાસે સમય નથી, પેશન્ટને તપાસતાં જ તમારી સાથે વાત કરી લે છે. કહે છે, ‘કામ ઝડપથી થઈ શકે! ઊભા-ઊભા કામ કરું તો વધુ દરદીઓ તપાસી શકાય!’

નાડી જોઈ, જીભ તપાસીને ડૉક્ટર પેશન્ટને કહી દે છે કે શું તકલીફ છે. રોજના લગભગ ૪૦૦ દરદીઓ તે તપાસે છે. મોટા ભાગના લોકોને પોતાને ત્યાંથી દવા આપે, જરૂર લાગે તો જ બહારની દવા લખી આપે છે.

મૂળ મહુવાના કપોળ રસિકભાઈએ ડૉક્ટર થયા એ દિવસથી સેવા શરૂ કરી, જે ૫૦ વર્ષથી અવિરત ચાલુ છે. ૧૯૬૩માં MBBS થઈ તે ઘાટકોપરમાં આવેલી સર્વોદય હૉસ્પિટલમાં જોડાયા. ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી આ હૉસ્પિટલમાં કન્સલ્ટિંગ ફી હતી ચાર આના. અગિયાર વર્ષ અને છ મહિના અહીં કામ કર્યું. એ બંધ થઈ તેથી ડૉ.ગાંધીએ અત્યારે તેઓ જ્યાં દવાખાનું ચલાવે છે એ જગ્યા લઈ લીધી. ત્યારથી આ દવાખાનું  છે.

રસિકભાઈના દવાખાનામાં પ્રવેશીએ ત્યારે બીજો સવાલ એ થાય કે આ કમાણીમાં આજની મોંઘવારીમાં ડૉક્ટરનું ઘર કેવી રીતે ચાલતું હશે? દવાખાનાનું મેઇન્ટેનન્સ પણ નહીં થઈ શકતું હોય. ડૉક્ટર સાવ સહજતાથી કહે છે, ‘પોસાતું હોય એવા લોકોને ત્યાં હું વિઝિટ કરું. એની ફી લઉં અને બાકી મારું થોડું ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી મારું ગુજરાન ચાલી જાય છે, વધારેની મારે જરૂર નથી. હા, દવાખાનાના મેઇન્ટેનન્સમાં ઘરના ખર્ચવા પડે!’

Hepatitis C Infectionતેમની જરૂરિયાતો મર્યાદિત છે. પત્ની અને ત્રણ દીકરીઓએ લાઇફના તેમના આ ફન્ડામાં સાથ આપ્યો છે. ડૉક્ટર ગાડી પણ જૂની મારુતિ ઝેન વાપરે છે. મુંબઈમાં આવ્યા ત્યારે રહેતા હતા એ ઘરમાં હમણાં સુધી રહ્યા પછી મેમાં દીકરીની નજીક રહેવા ગયા છે.

બચપણના સંસ્કાર

ડૉક્ટરો આજે જ્યારે ફુલ્લી બિઝનેસ કરે છે, ડૉક્ટર બનવા પાછળનું લક્ષ માત્ર અને માત્ર પૈસા કમાવાનું બની ગયું છે એ સમયમાં આ ડૉક્ટરની સેવાને સલામ એટલા માટે કરવી પડે કે ડૉક્ટર બનવા માટેનો તેમનો હેતુ સેવાનો હતો. પિતા પ્રભુદાસ ગાંધીને છાતીમાં ગાંઠ થઈ અને ઑપરેશન કરાવવું પડ્યું ત્યારથી ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. ડૉ. ગાંધી ચાર વર્ષના હતા ને માતા લીલાવતી પ્રભુદાસ ગાંધી ગુજરી ગયાં. રસિકભાઈથી મોટી બે બહેનો અને એક નાનો ભાઈ છે. આ ચારેય બાળકોને તેમનાં ફોઈ નર્મદા પારેખે સંભાળ્યાં, જેઓ ૧૦૩ વરસ જીવ્યાં હતાં. ડૉ. ગાંધીનાં માતા મૃત્યુ પામ્યાં એ પછી ફોઈએ તેમના પિતાને કહ્યું કે જો તું બીજાં લગ્ન ન કરે તો હું બાળકોને મોટાં કરીશ અને તેઓ પોતાનું ગામ અને ઘર છોડીને તેમની સાથે રહ્યાં. એની વાત કરતાં રસિકભાઈ કહે છે, ‘મારાં ફોઈએ મને કહ્યું હતું કે તારે ડૉક્ટર બનવું હોય તો બન, પણ ગરીબોની સેવા કરજે. તેમની આ વાત મારા મનમાં ઊતરી ગઈ.’

કમાવું નથી

સેવા ઘણા લોકો કરે, પણ આખી જિંદગી ભરપૂર કમાઈ લે એ પછી. જોકે એની સામે રસિકભાઈએ કમાઈ લેવાનું કદી વિચાર્યું જ નહીં, આજના ડૉક્ટરોની જેમ રૂપિયા ઉતારી લેવાને બદલે આખી જિંદગી સેવા કરવાનું નક્કી કરી લીધું હતું. તેમને કમાવાની જરૂર નહોતી એવું જરા પણ નહોતું. પિતા ખેતી કરતા હતા, આર્થિક સ્થિતી નબળી જ હતી. ડૉક્ટર બની તેમણે લગ્ન કયાર઼્, ઘાટકોપરમાં સર્વોદય હૉસ્પિટલમાં કામ શરૂ કર્યું; પણ ઇચ્છા મહુવામાં જઈ લોકોની સેવા કરવાની હતી, પરંતુ પત્નીનું કહેવું હતું કે ગામમાં સેવા કરવાને બદલે મુંબઈમાં રહીને જ કરો, જેથી આગળ જતાં બાળકોને એમ ન લાગે કે તે મુંબઈમાં ન રહી શક્યાં!

સેવાનો ગુણાકાર

ડૉ. ગાંધીના દવાખાનામાં મહિને એક દિવસ ડાયાબિટીઝ ચકાસણી માટે ફ્રી શિબિર થાય છે; બૉડી ચેક-અપ, બ્લડ ચેક-અપ અને કૅન્સર ચેક-અપ સહિત અનેક કૅમ્પ થાય છે. ડૉક્ટરને કોઈ રોકડ રૂપિયા દાનમાં આપવા આવે તેને તે નજીકના કેમિસ્ટના ત્યાં આપવા કહે છે, કારણ કે દવા ખરીદવા અસમર્થ હોય તેવા દરદીને તેઓ તે કેમિસ્ટનો રેફરન્સ આપે તેથી અહીંથી દરદી વિનામૂલ્ય દવા મેળવી શકે. આમ દાતા અને કેમિસ્ટ જ પૈસાનો હિસાબ જોઈ લે. ચેક આવે એ ટ્રસ્ટમાં જાય છે. ૧૯૯૬માં ઘાટકોપરના લોકોએ તેમનું સન્માન કર્યું તે સમયે ડૉ. રસિક પી. ગાંધી મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બન્યું હતું. એની મદદથી આજે ૧૪ ડૉક્ટર અને ચાર ડેન્ટિસ્ટ બન્યા છે એટલું જ નહીં, આ ટ્રસ્ટે એકાવન લાખ રૂપિયાનું દાન હિન્દુ સભા હૉસ્પિટલને ઇન્ટેન્સિવ કૅર યુનિટ બનાવવા માટે આપ્યું. રસિકભાઈને મળતી બધી મદદ આ ટ્રસ્ટમાં જાય છે. તેમને એક ભરોસો છે કે ટ્રસ્ટની મદદથી ભણીને ડૉક્ટર થયેલો સંજય શાહ તેમની સેવાની આ ધૂણીને ધખતી રાખશે.

ઘાટકોપરના ગાંધી તરીકે ઓળખાતા રસિકભાઈને અનેક સન્માનો અને અવૉર્ડ્સ મળ્યો છે, પણ તેમને મન સૌથી મોટો અવૉર્ડ પેશન્ટ્સના ચહેરા પર જે ખુશી આવે એ છે. તેઓ પેશન્ટને દવા જ નહીં, હૈયાધારણ પણ આપે એનાથી દરદીનું દર્દ ઓછું થાય છે. દવા લેવા આવેલાં ૪૫ વર્ષનાં માધવી શેઠ કહે છે, ‘હું જન્મી ત્યારથી આ ડૉક્ટરની દવા લઉં છું, મારું  અડધું દર્દ તેમને મળું ત્યાં જ ખતમ થઈ જાય છે. ’

અંગત સંગત

રસિકભાઈને ત્રણ દીકરી છે. મોટી ચેતના. તેનો પતિ પરેશ સુતરિયા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. ઘાટકોપરમાં રહે છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. વચલી મીતા. તેનો પતિ માઇકલ શેઠ ઍનેસ્થેટિસ્ટ છે. હ્યુસ્ટનમાં રહે છે અને તેમને બે દીકરી તેમ જ એક દીકરો છે. ગોવાલિયા ટૅન્કમાં રહેતી નાની વૈશાલી. તેના પતિ કેતન શાહનો કેમિકલનો બિઝનેસ છે. તેમને બે દીકરી છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s