વિશ્વની સૌથી પાવરફુલ બિઝનેસવુમન

mid-day

With Thanks form Gujarti news Paper ‘MID-DAY’ of Mumbai.

By સેજલ પટેલ from Gujarati mid day

આજે ૮૦,૪૯૭ કર્મચારીઓનું નેતૃત્વ કરતાં ૬૦ વર્ષનાં બ્રાઝિલિયન મારિયા ફોસ્ટરનું

બાળપણ ઝૂંપડપટ્ટીમાં વીતેલું અને કચરો વીણીને તેઓ પોતાના ભણતર માટેના પૈસા રળતાં


અવરોધો અને અડચણો જ માણસનું ઘડતર કરે છે. સંઘર્ષમાં તવાઈને માણસનું ચારિhય અને શક્તિઓ વધુ નિખરી ઊઠે છે. ડહાપણની આ વાતો કદાચ બહુ સાંભળી છે. પણ આજે મોકો છે આ બાબતનું અદભુત પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડતાં એક સન્નારીને મળવાનો. અમેરિકાના વિખ્યાત ફાઇનૅન્શિયલ મૅગેઝિન ‘ફૉચ્યુર્ન’ દ્વારા બહાર પડેલી વિશ્વની મોસ્ટ પાવરફુલ બિઝનેસવિમેનની યાદીમાં સતત બીજાં વર્ષે પહેલું સ્થાન જારી રાખનારાં બ્રાઝિલિયન સન્નારી મારિયા ડાસ ગ્રૅકૅસ સિલ્વા ફોસ્ટરે સંઘર્ષો સામે સમાધાન કે ફરિયાદો કરવાને બદલે ફૌલાદી તાકાતથી બાથ ભીડીને આજે વૈશ્વિક સ્તરે ગરવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારિયા બ્રાઝિલની સૌથી મોટી અને વિશ્વની સાતમા ક્રમની રાજ્ય-સંચાલિત એનર્જી-કંપની પેટ્રોબ્રાસનાં ઘ્ચ્બ્ છે. પેટ્રોલિયમ, ઑઇલ અને નૅચરલ ગૅસના ક્ષેત્રની વિશ્વની ટૉપ ૧૦ કંપનીઓમાંથી પેટ્રોબ્રાસ એકમાત્ર કંપની છે જેનું નેતૃત્વ કોઈ મહિલાના હાથમાં હોય. ૬૦ વર્ષની વયે પણ દિવસના ૧૫ કલાક કામ કરતાં મારિયાને બ્રાઝિલના લોકોએ ‘ધ આયર્ન લેડી ઑફ ઑઇલ’ એટલે કે તેલજગતની લોખંડી મહિલાનું હુલામણુ નામ આપ્યું છે.

પેટ્રોબ્રાસમાં ઇન્ટર્ન તરીકે શરૂઆત

Brazil_PBR_CEO_Maria_das_Gracas_Silva_Foster-300x192આજકાલ પ્રોફેશનલ વર્લ્ડમાં એવી માન્યતા છે કે પ્રમોશન અને પગારમાં ઉછાળ મેળવવો હોય તો કંપનીઓ બદલતા રહો, તમારી સૅલેરી અને હોદ્દો ઊંચો થતો રહેશે. જોકે મારિયા આ વાતથી જરાય સહમત ન થતાં હોય એવું લાગે છે, કેમ કે આજે પેટ્રોબ્રાસનાં ૮૦,૪૯૭ કર્મચારીઓનું નેતૃત્વ કરી રહેલાં મારિયા ૧૯૭૮માં આ કંપનીમાં ઇન્ટર્ન તરીકે જોડાયેલાં. કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી આ કંપનીમાં ત્રણ વર્ષ તેમણે ટ્રેઇની તરીકે જ કામ કર્યું. એ વખતે તેમને માત્ર સ્ટાઇપન્ડ જ મળતું. એ છતાં ન તો તેમણે ક્યારેય પે-રોલ પર નોકરી મળે એ માટે ઉતાવળ બતાવી, ન તેમની પાસે ગધ્ધામજૂરી કરાવવામાં આવી રહી છે એની કોઈ ફરિયાદ કરેલી. એક ટીવી-ઇન્ટરવ્યુમાં મારિયાએ કહેલું કે ‘મારા પરિવારના સંજોગો એટલા ખરાબ હતા કે મને જે મળ્યું એમાં હું સંતુષ્ટ હતી. રાધર, એ વખતે મને ઓછું મળી રહ્યું છે એનો વિચાર પણ નહોતો આવતો. હું વિચારતી કે હું ઇન્ટર્ન છું અને ઇન્ટર્નનું કામ છે વધુ ને વધુ શીખવાનું.’

વધુ ને વધુ શીખવા અને જાણવાની જિજ્ઞાસાને કારણે મારિયાને મોડેમોડેથી પણ કરેલાં કમોર્નું ફળ મળતું ગયું. ૧૯૮૧માં તેમને કંપનીમાં મૅનેજરની પોસ્ટ પર લેવામાં આવ્યા એ પછી તો તેમણે પોતાના કામ અને સૂઝબૂઝથી જે કામ આપ્યું એને કારણે દર બે-પાંચ વર્ષે પ્રમોશન્સ થકી જવાબદારીભર્યા પદ પર નિયુક્તિ થતી ગઈ. ૨૦૦૫માં તેઓ કંપનીના ફાઇનૅન્શિયલ ડિરેક્ટર બન્યાં અને ૨૦૧૨માં પેટ્રોબ્રાસ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવ્યું. એ જ વર્ષે બ્રાઝિલના પ્રેસિડન્ટના નૉમિનેશનથી તેઓ કંપનીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યાં.

બાળપણ અત્યંત કરુણાજનક

એક-એક પાઈ મેળવવા તડપવું પડ્યું હોય ત્યારે જ એ એક પાઈની કિંમત સમજાય છે. આજે કરોડો રૂપિયાનો પગાર ધરાવતાં મારિયા બ્રાઝિલ અને વિશ્વની ઇકૉનૉમી વિશે અત્યંત ગૂઢ સૂઝબૂઝ ધરાવે છે. તેમના નેતૃત્વમાં કંપનીની નેટવર્થમાં પણ ૨૩ ટકા જેટલો ઉછાળ જોવા મળ્યો છે. જોકે તેમના બાળપણની વાત યાદ આવતાં જ આ લોખંડી મહિલા નરમ પડી જાય છે. દક્ષિણપૂર્વ બ્રાઝિલના કૅરેટિન્ગા સિટીમાં જન્મેલી મારિયાનું બાળપણ ખૂબ જ કઠણાઈઓમાં વીત્યું હતું. સાત-આઠ વર્ષની ઉંમરે મારિયાને પરિવાર સહિત રિઓ ડી જાનેરો સિટી પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેવા આવી જવું પડ્યું.  તેઓ જે વસાહતમાં રહેતાં હતાં એ ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને ગુનાખોરીનું કેન્દ્ર ગણાતી હતી. કાકા-મામા જેવા સંબંધીઓ દ્વારા મળતી થોડીક મદદથી માંડ ઘરનો ચૂલો ચાલતો. છોકરીજાતને વળી ભણાવીને શું કરવું છે? એ માન્યતાને કારણે તેના ભણવાના પૈસા કોઈ સંબંધીઓ પણ આપવા તૈયાર નહોતા. મારિયા ઝૂંપડપટ્ટીમાંથી રીસાઇકલ થઈ શકે એવાં કૅન અને પ્લાસ્ટિકનો કચરો વીણવાનું કામ કરતી અને એમાંથી જે પૈસા મળે એમાંથી સ્કૂલની ફી ભરતી. નોટ-ચોપડીઓ માટે તે દિવસભર કચરામાંથી એક કોરી સાઇડવાળા વીણેલા કાગળિયાંઓ વીણતી. સગાંવહાલાંઓ મદદ થોડીક કરતાં અને જોહુકમી ઝાઝી. ડૉમેસ્ટિક વાયલન્સનો ભોગ બન્યાની બાળપણની યાદો વિશે વાત કરતાં આજેય મારિયાની આંખના ખૂણા ભીના થઈ જાય છે. ઝૂંપડપટ્ટીની કાચી છત પણ માથે ન હોય એવા દિવસો કાઢ્યા છે. કેટલીયે રાતો પરિવારસહિત ઉકરડાના ખૂણે સૂઈને કાઢી છે. તેના ઝૂંપડાની નજીકની વસ્તીમાં આવેલા એક પોટુર્ગીઝ પરિવારના ઘરે કામ કરીને એકસ્ટ્રા પૈસા કમાવામાં પણ તેણે કદી નાનમ નથી અનુભવી. કૉલેજમાં ભણતી વખતે પણ સાથે-સાથે તે અન્ય દેશોના લોકોને બ્રાઝિલના કલ્ચર વિશે સમજાવવાનું કામ કરીને અને તેમને જરૂરી કાગળિયાં સ્થાનિક ભાષામાં લખી-વાંચી આપવાની હેલ્પ કરીને પૈસા કમાતી. પોતાના ભણતરનો ખર્ચ તો તેણે જાતે ઊઠાવ્યો જ છે, પણ ૧૪ વર્ષની ઉંમરથી મારિયા ઘરની જરૂરિયાતો માટે પણ કમાવા લાગી હતી. દિવસભર કામ કરવું, રાતે સ્ટ્રીટલાઇટના અજવાળે વાંચવું અને માત્ર ચાર કલાકની ઊંઘ લેવી એ તેની બાળપણની દિનચર્યા હતી.

આટલી અગવડો છતાં મારિયા કેમિકલ એન્જિનિયર થઈ. પેટ્રોબ્રાસ કંપનીમાં કામ શરૂ કર્યા પછી પણ તેનું ભણવાનું અટક્યું નહીં. ૧૯૭૯માં ફેડરલ યુનિવર્સિટી ઑફ રિઓ ડી જાનેરોમાંથી ન્યુક્લિઅર એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. એ પછી તો પેટ્રોબ્રાસમાં તેની કરીઅરની ગાડી પાટે ચડી ગઈ હતી, પણ એમાંય આગળ વધવાની ઇચ્છા હોવાથી ૩૭ વર્ષની ઉંમરે તેણે ઇકૉનૉમિક્સ સાથે MBA કર્યું.

ડાઉન ટુ અર્થ પર્સનાલિટી

વિશ્વમાં ટોચના સ્થાને બેઠા પછી પણ પગ ધરતી સાથે ખોડાયેલા રહે એ માટે હું હંમેશાં મારા ભૂતકાળને મારી નજર સામે રાખીશ – ૨૦૧૨માં જ્યારે મારિયા પેટ્રોબ્રાસની ચીફ અક્ઝિક્યુટિવ ઑફિસર બની ત્યારે તેણે આ વાક્ય કહેલું.

આ વાક્ય તેણે સાચું પાડી બતાવ્યું છે. મહિને કરોડોનો પગાર, પૉલિટિકલ અને સોશ્યલ સ્ટેટસને કારણે તે શહેરના પૉશ એરિયામાં રહી શકે એમ હોવા છતાં તે હસબન્ડ કૉલિન ફોસ્ટર અને બે પુખ્ત સંતાનો સાથે રિઓ ડી જાનેરોથી થોડેક દૂર કુદરતી સૌંદર્યની નજીક એક અપાર્ટમેન્ટમાં રહે છે. ધારે તો લક્ઝુરિયસ ગાડીઓની લાઇન ખડી કરી દઈ શકે એટલી સંપત્તિ હોવા છતાં તેણે હજીયે પોતાની કાર નથી વસાવી. વીક-એન્ડમાં પતિની ગાડીમાં સાથે ફરવા જાય, પણ ઑફિસ આવવા-જવા માટે તો ટેક્સીનો જ ઉપયોગ કરે છે. વીક-એન્ડમાં રસોઇયાઓને છુટ્ટી આપીને જાતે બનાવીને પતિને ખવડાવવાનું તેને બહુ ગમે છે.

સ્ત્રી તરીકેનો સંઘર્ષ

કારમી ગરીબાઈ ઉપરાંત મારિયા માટે સંઘર્ષનું બીજું કારણ રહ્યું છે એનું સ્ત્રી હોવાપણું. મારિયા જાહેરમાં કબૂલે છે કે એક સ્ત્રી હોવું અને એ સ્ત્રીનું ગરીબ હોવું એ બન્ને ચીજો કસોટીઓની પરાકાષ્ઠા સમી છે. પ્રોફેશનલ વર્લ્ડમાં તેને આગળ વધવામાં ઘણી તકલીફો પડી છે એવું કહ્યા પછી શું તકલીફો પડી છે એ બાબતે તેણે મોઢું સીવી લીધું છે. પણ પેટ્રોલિયમ સેક્ટરમાં કોઈ મહિલા આટલે ઊંચે પહોંચે ત્યારે તેણે કેટલી રાજરમતોનો સામનો કર્યો હશે એની કલ્પના જ કરવી રહી.

સફળતાની પાછળ વિવાદ હોય જ

માણસ સફળ થાય અને વિશ્વમાં ટોચનું સ્થાન પામે ત્યારે એની પાછળ વિવાદ ન થાય તો જ નવાઈ. ૨૦૧૨માં ઘ્ચ્બ્ બન્યા પછી થોડા જ સમયમાં મારિયાએ પેટ્રોબ્રાસ વતી બહુ મોટો કૉન્ટ્રૅક્ટ પોતાના પતિ દ્વારા સંચાલિત કંપનીને આપ્યો એમાં બહુ મોટું કૌભાંડ થયું છે એવો વિવાદ ચગ્યો હતો. જોકે રાજ્ય-સંચાલિત આ કંપનીએ સઘન પૂછતાછ અને પુરાવાઓ એકત્ર કરીને આ shutterstock_47043229કૌભાંડની વાતને રદિયો આપીને મારિયાને ક્લીન ચિટ આપી હતી. જોકે આ વિવાદને પગલે થોડાક સમય માટે કંપનીના શૅર્સમાં ૧૨ ટકાનો લૉસ થઈ ગયો હતો.

આ વિવાદોથી ડગ્યા વિના મારિયાએ કંપનીને ઊંચે લાવવા માટે કમર કસી હતી અને કંપનીના પેટ્રોલિયમ-ઉત્પાદનને લગભગ બમણું કર્યું હતું. પહેલાં રોજના ૨૩ બૅરલ્સની સરખામણીએ તેણે નવી ટેક્નોલૉજીઓનો સહારો લઈને રોજનું ૪૫ લાખ બૅરલ્સ જેટલું પ્રોડક્શન કરી બતાવ્યું.

પુરુષપ્રધાન ક્ષેત્રમાં કોઈ મહિલા ૮૦,૦૦૦થી વધુ કર્મચારીઓનું નેતૃત્વ કરતી હોય અને

કંપનીને વિશ્વમાં ટોચની કંપનીઓમાં બેસાડે ત્યારે કહેવું જ પડે કે નારી ધારે તો શું ન કરી શકે?   

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s